મારી સનમની હર અદાઓ સહુથી જરા હટકે છે; એટલે જ હ્રદય મારું હંમેશ એના નામે ધબકે છે. હળવેથી એના કાનમાં કહી દીધું હું તને ચાહું છું; નજર ઝુકાવી શરમથી એ કહે મને, તું શું બકે છે?

વાત વાતમાં એ રિસાય જાય અને હું મનાવું એને; હોય જે સંબંધમાં મીઠી છેડછાડ એ જ વધુ ટકે છે. મળી જાય બે યુવા હૈયા હસતા રમતા એકબીજાને; ન જાણે કેમ એ આ બેરહેમ દુનિયાને બહુ ખટકે છે.

કરવો હોય એટલો કર સિતમ તું મુજ પર હે ખુદા; હું પણ એ જોઊં તો ખરો તું ક્યાં જઈને અટકે છે?  જતા જતા ઓઢાડી ગઈ કફન રંગબેરંગી ઓઢણીનું; એને એક નજર જોવા આત્મા મારો દરબદર ભટકે છે.

પળે પળ છટકી જાય છે સમય છોડી ઘડિયાળને; ભલે ઘડિયાળ સમજતું રહે સમય લોલકે લટકે છે. ધરતી પર જ તારા પગ રાખજે મયંક તું પણ હવે; એ સહેલાઈથી મોંભેર પટકાય છે જે કદી બહુ છકે છે.