એક અમસ્તી આ જિંદગીમાં કેટ કેટલી જફા છે!
ને ઉપરથી સનમ મારા મુજથી બેવજહ ખફા છે.
એ સંબંધનું શું ભવિષ્ય હશે કોણ જાણે દોસ્ત?
જ્યાં વ્યવહાર મારા એમની સાથે એકતરફા છે.
કાજળ લગાવીને આવ્યા છે આજ સપનામાં એ;
સમજ નથી પડતી મને એમના શું મનસુફા છે?
તમને શું આપું જેની તમને જરાય કિંમત નથી;
મારી પાસે તો તમારા માટે ફક્ત થોડી વફા છે.
કારોબાર-એ-ઇશ્કનું સરવૈયું માંડ્યું ત્યારે જાણ્યું;
ખોટ જ ખોટ છે,ફક્ત થોડા ઉજાગરાના નફા છે.
ન આપો આપણા સંબંધોને કોઈ જ નામ સનમ;
જેવા છે એ સંબંધ એકદમ પવિત્ર, મુસ્તફા છે.
તો કરું હું પૂજા પાઠ, ન તો કરું બંદગી કોઈની;
સનમ જ મારા પ્રભુ,પયગંબર,મારા ખલીફા છે.
ખત તો ઘણા મળ્યા રાખે છે મને એમ તો દોસ્ત;
બસ એ ખત જેમાં આવ્યા એ નનામા લિફાફા છે.
કર્યો છે ગુનો ઇશ્ક કરવાનો મયંકે, સજા તો થશે;
હવે કહી દો સનમ,એ ગુન્હા માટે કઈ કઈ દફા છે?


 

મારી બેપનાહ મહોબ્બતનો આ તે કેવો અંજામ છે?
બેઠો છું હું મયખાને એકલો, હાથમાં ખાલી જામ છે.

અશ્કોથી ભરતી રહે છે હવે જામ પર જામ સાકી;
મય ક્યાં છે સસતી? બહુ મોંઘેરા એના દામ છે.

અફવાઓનું બજાર છે ગરમ કારોબાર-એ-ઇશ્કમાં;
જે છે બહુ નામવાળા એ જ અહિં બહુ બદનામ છે.

તરીશ મહોબ્બતની આગનો દરિયો યાદના સહારે;
મારા આ ઘાયલ દિલમાં એટલી તો હજુ ય હામ છે.

ચોરી કઈ ગયું કોઈ ચિતચોર મારા ચિતને ચુપકીથી;
તું ય એ જાણે છે મારી સનમ કે તારું જ એ કામ છે.

ખોવાઈ ગયો છે ખુદ મયંક તને શોધતા શોધતા;
ભુલભુલામણીથી ભરચક છેતરામણું તારું ગામ છે.

Advertisements