સારાંશ : ખલીલ ધનતેજવી

જે કઠણ માટીને ઉથલાવી શકે
એ જ માણસ બીજ પણ વાવી શકે

તુ પવન છે આગ ભડકાવી શકે
પણ કદી દીવો ન સળગાવી શકે

બારણે તુ હોય ને લાગ્યા કરે
વાયરો પણ દ્વાર ખખડાવી શકે

દે હવે વાચાળ આંખોને દુવા
લાગણી ભીતરની પ્રગટાવી શકે

નાહી ધોઇને નીકળતા ચંદ્રને
રાત જો ધારે તો અભડાવી શકે

મોતી ચરતા હંસલાની આંખમાં
મોતિયો પણ કોક દી આવી શકે

સૂર્યને જો રાત જોવી હોયતો
આગિયાના વેશમાં આવી શકે

સૂર્ય જો રાતે કદી ભુલો પડે
આગિયો તાકાત અજમાવી શકે

હા ખલીલ આજે ગઝલ ન હોય તો
દિલની વાતો કોણ સમજાવી શકે

ખલીલ ધનતેજવી

Advertisements